કોરોના મહામારીને કારણે ગુજરાતમાં બંધ થયેલી શાળાઓ હવે દિવાળી બાદ ખુલી જશે, જોકે કેન્દ્ર દ્વારા 21 સપ્ટેમ્બર બાદ અનલોક-4 માં શાળાઓ ખોલવાની મંજુરી આપી હતી. પરંતુ ગુજરાત સરકારે કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને શાળાઓ ખોલવાની મંજૂરી આપી ન હતી . હવે હાલમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે ત્યારબાદ શાળાઓ પ્રથમ ઉચ્ચ અભ્યાસ અને ત્યારબાદ માધ્યમિક અને પ્રાથમિક ક્રમવાર ખોલવામાં આવશે.

સરકાર દ્વારા મળેલી એક કેબીનેટ મીટીંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કોલેજ, ઇન્સ્ટીટયુટ અને સ્કૂલો શરૂ કરવામાં આવશે. પેટા ચૂંટણી બાદ સરકાર દ્વારા વિચાર વિમર્શ કરવા માટે એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી તેમજ શિક્ષણ મંત્રી હાજર રહ્યા હતા. આ મીટીંગમાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને આ તમામ પાસાઓને લગતી ચર્ચા શિક્ષણ સચિવ શ્રી સાથે કરવા જણાવાયું છે.

શાળાઓ શરૂ કરવા સાથે ક્યાં ક્યાં મુદ્દાઓ ધ્યાનમાં, સોશિયલ ડીસ્ટન્સ જાળવવા કેવી વ્યવસ્થા કરવી, શાળાઓ પાળી વાર બોલાવવાની વ્યવસ્થા કરવી, જેવા મુદ્દાઓ માટે ધારાસભ્યો અને સમાજસેવકો પાસેથી સરકારે અભિપ્રાયો માંગ્યા છે. હાલમાં ગુજરાતમાં શૈક્ષણિક કાર્ય ઓનલાઈન માધ્યમો દ્વારા કરવામાં આવતું હતું પરંતુ હવે રેગ્યુલર કાર્ય દિવાળી બાદ શરૂ કરી દેવામાં આવશે.

ક્લાસરૂમ દ્વારા કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકે તે મુદ્દાને ધ્યાનમાં રાખીને અલગ અલગ ધોરણો દિવસ દરમિયાન બોલાવીને શૈક્ષણિક કાર્ય શરૂ થઇ શકે છે. જોકે હાલ અડધું વર્ષ પૂર્ણ થઇ ચુક્યું છે એટલે અભ્યાસક્રમમાં પણ ઘટાડો કરવામાં આવશે. હાલમાં છેલ્લા 7 મહિનાથી શાળાઓ બંધ છે. દિવાળી બાદ આરોગ્ય વિભાગ સાથે ચર્ચા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. ક્યા પ્રકારના શાળાઓ માટે નિયમો કરવા વગેરે બાબતે ગાઈડલાઈન્સ બનાવવામાં આવશે. જેમાં આરોગ્ય મંત્રી અને શિક્ષણ મંત્રી ઉચ્ચ અધિકારીઓ પાસેથી બેઠકમાં આ ગાઈડલાઈન્સ માટેના નિયમો નક્કી કરશે.
ક્લાસમાં સંપૂર્ણ પણે વિદ્યાર્થીઓ સાવચેતી રાખે અને કોઇપણ પ્રકારે કોરોનાનું જોખમ ના વધે તે માટે કડક પણે અમલવારી કરવામાં આવશે. જેમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઈઝર જેવી બાબતો ફરજીયાત કરાશે, તેમજ થર્મલ સ્ક્રીનીંગ પણ જરૂર પડ્યે કરવામાં આવશે. વિધાર્થીઓ વચ્ચે અંતર જળવાઈ રહે તેવી રીતે બેઠક વ્યવસ્થા કરવામાં આવશે અને વિદ્યાર્થીઓના આરોગ્ય માટેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવશે.