બિહાર વિધાનસભાની સાથે દેશમાં 11 વિધાનસભાની પણ પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં ગુજરાતમાં 8 બેઠકો માટે ચૂંટણી થઈ છે, જેમાં ગુજરાતના અબડાસા, મોરબી, ધારી, કરજણ, ગઢડા, કપરાડા, ડાંગ અને લીંબડીની એમ આઠ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપનો તમામ બેઠકો પર વિજય થયો છે.
અબડાસા બેઠક પર ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીમાં બ્રિજેશ મેરજા, ધારીમાં કે.વી. કાકડિયા, કરજણમાં અક્ષય પટેલ, ગઢડામાં આત્મારામ પરમાર, કપરાડામાં જિતુ ચૌધરી, ડાંગમાં વિજય પટેલ અને લીંબડીમાં કિરીટસિંહ રાણા આ તમામ ભાજપના ઉમેદવારો જીત્ત્યાં છે.

આ તમામ બેઠકો માટે 3 નવેમ્બરના રોજ મતદાન યોજાયું હતું અને આજે 8 વાગ્યાથી મત ગણતરી ચાલુ કરવામાં આવી હતી, જેમાં સૌથી પહેલા પેપર બેલેટની ગણતરી કરવામાં આવી હતી. ત્યારબાદ ઈવીએમ અને ત્યારબાદ વિવીપેટની ગણતરી કરવામાં આવી હતી. આ વખતે કોરોના મહામારીના પરિણામે ઈવીએમ તેમજ મતદાન મથકોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો. આ બેઠકોની મતગણતરી 320 જેટલા કર્મચારીઓ કરી રહ્યા હતા અને તમામ જવાબદારી અને ગણતરીનું નિરીક્ષણ મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલીક્રિષ્ના કરી રહ્યા હતા.
આ મત ગણતરીના કેન્દ્રો થ્રી લેયર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને 8 કેન્દ્રો 25 ખંડમાં 97 ટેબલ પર આ ગણતરી કરવામાં આવી હતી. તમામ સ્ટાફનું, એજન્ટનું અને અધિકારીઓનું થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. આ વખતની ચૂંટણી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની આગેવાનીમાં યોજવામાં આવી હતી. આમ જોતા પાટીલ પણ આ બેઠકો જીતાડીને પોતાની પરીક્ષામાં પાસ થયા છે સાથે જ તેઓ આવનારી 2022માં તમામ 182 વિધાનસભાની બેઠકનો પોતાનો લક્ષ્યાંક પાસ કરે તેવી આશા જન્મી છે.

આમ પણ પાટીલ અમિત શાહ સાથે રહેલા છે અને તમામ ટ્રેનીંગ તેમને મળેલી છે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વિધાન સભાની ચૂંટણીમાં અમિત શાહના સાથી તરીકે પાટીલે ભૂમિકા ભજવી છે અને 2014 થી 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ શાહની કોર કમિટીમાં સી.આર. પાટીલ હતા. આમ બેઠકો જીતવા માટે પાટીલ સાહેબ ખુબ અનુભવી છે તેથી તેમને અધ્યક્ષ બનાવ્યા છે અને આ તમામ બેઠકો પર જીત મેળવીને પોતાની તાકાત બતાવી છે.
આમાં સૌથી મોટી સરસાઈથી લીંબડી બેઠક પરના કિરીટસિંહ રાણા સૌથી વધુ 20 હજાર જેટલા મતોની સરસાઈથી જીત્યા છે અને તેમના હરીફ ચેતન ખાચરને હાર આપી છે. આમ તમામ બેઠકો પર ભાજપે જીત મેળવી છે જેમાં સૌથી વધારે રસાકસી મોરબીમાં થઇ હતી પરંતુ ભાજપના બ્રિજેશ મેરજાની જીત થઈ છે.