કાશ્મીરની એક નાની બાળકીનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો. જેમાં એક નાની છોકરી રિપોર્ટર બનીને ન્યૂઝ કરી રહી હતી. આ વીડિયોમાં તે રસ્તાની ખરાબ હાલત બતાવતી જોવા મળી રહી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મીડિયા સાથે વાત કરતા નાની રિપોર્ટરે તેની પાછળની આખી વાત જણાવી. બાળકીની ઓળખ હાફિઝા તરીકે થઈ છે. આ વીડિયો તેની માતા શાઈસ્તા હિલાલે શૂટ કર્યો છે.
હિમવર્ષાને કારણે રોડની હાલત ખરાબ થઈ ગઈ
5 વર્ષની હાફિઝા બિલાલ અહેમદ ખાન અને શાઈસ્તા હિલાલની દીકરી છે. કાશ્મીરમાં તાજેતરમાં થયેલી હિમવર્ષા અને વરસાદ બાદ તેમના ઘરની બાજુમાં આવેલો રસ્તો ખરાબ રીતે પ્રભાવિત થયો હતો. હિમવર્ષા પછી રસ્તાની ખરાબ હાલત બતાવવા માટે તેણે રિપોર્ટર બનવાનું નક્કી કર્યું. તેમણે તેમના ઘરની બાજુના રસ્તાની મુલાકાત લીધી. આ દરમિયાન અન્ય કોઈ નહીં પરંતુ તેની માતા કેમેરાની પાછળ હતી.
2-મિનિટના વીડિયોમાં, લાલ જેકેટ પહેરેલી એક નાનકડી બાળકી ભારે વરસાદ અને હિમવર્ષાએ રસ્તાઓ કેવી રીતે બગાડ્યા છે તેની ફરિયાદ કરતી જોઈ શકાય છે. તેણે એમ પણ કહ્યું કે આ બરફવર્ષા અને ખરાબ રસ્તાને કારણે લોકો તેને મળવા નથી આવી શકતા. બાળકીએ કહ્યું, રસ્તો એટલો ગંદો છે કે મહેમાન પણ આવી શકતા નથી.
હાફિઝાની માતાએ જણાવ્યું કે તેણે તેની પુત્રીના કહેવા પર કેમેરા પકડ્યો અને વીડિયો રેકોર્ડ કર્યો હતો. શાઇસ્તાએ કહ્યું, મેં તેના કહેવા પર તેના મોબાઇલ ફોન પર શૂટિંગ શરૂ કર્યું હતું. હફિઝા મને કહી રહી હતી કે કેમેરા ક્યાં લઈ જવો કારણ કે તે વીડિયોમાં સાંભળી શકાય છે. હફિઝાએ તાજેતરમાં જ સ્કૂલ જવાનું શરૂ કર્યું છે અને તેના આ વીડિયોએ તેને ઈન્ટરનેટ સેન્સેશન બનાવી દીધી છે.