મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચીફ આનંદ મહિન્દ્રાએ ફરી એકવાર પોતાનું વચન પાળ્યું છે. એક મહિના પહેલા, તેમણે ટ્વિટર પર એક વ્યક્તિને ‘જુગાડ’થી બનાવેલી ગાડીના બદલામાં નવી મહિન્દ્રા બોલેરો આપવાનું વચન આપ્યું હતું. આનંદ મહિન્દ્રાએ પોતાનું વચન નિભાવ્યું છે અને વ્યક્તિને નવી બોલેરો ગિફ્ટ કરી છે.
ગયા મહિને મહારાષ્ટ્રના દેવસ્ત્રે ગામના દત્તાત્રેય લોહાર દ્વારા બનાવેલા ભંગારમાંથી બનાવેલા વાહનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ભંગારમાંથી બનાવેલ આ વાહનમાં ઓટો-રિક્ષાના ટાયર અને ટુ-વ્હીલરનું એન્જિન હતું. ત્યાર પછી આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર રીતે શેર કરવામાં આવ્યો અને કાર બનાવનાર વ્યક્તિના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતાં.
આનંદ મહિન્દ્રા પણ આ વીડિયો શેર કરતા પોતાને રોકી શક્યા ન હતા. પછી તેમણે તે વ્યક્તિની ક્ષમતાના વખાણ કર્યા હતાં. ઉપરાંત સલામતીના જોખમને ધ્યાનમાં રાખીને, તેમણે વ્યક્તિને નવી બોલેરો ગિફ્ટ કરવાની ખાતરી આપી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે આ વાહન આપણને ‘ઓછા સંસાધનમાં પણ સંસાધન સમૃદ્ધ’ બનવાની પ્રેરણા આપે છે.
તે જ સમયે, હવે દત્તાત્રેય લોહરને આપેલું વચન પૂરું કર્યા પછી, તેમણે મંગળવારે ટ્વિટ કર્યું હતું. આ ટ્વીટમાં તેમણે દત્તાત્રેયને ભેટમાં આપેલી નવી બોલેરોની કેટલીક તસવીરો પણ શેર કરી છે. તેમણે લખ્યું, “મને ખુશી છે કે તેમણે તેની ગાડીને નવી બોલેરો સાથે બદલવાની અમારી ઓફર સ્વીકારી છે. ગઈકાલે તેના પરિવારને નવી બોલેરો મળી હતી અને હવે તેની ગાડી અમારી છે.”
આનંદ મહિન્દ્રાએ કહ્યું, “તેમનું આ વાહન મહિન્દ્રા રિસર્ચ વેલીમાં તમામ પ્રકારના કાર કલેક્શનનો હિસ્સો હશે અને અમને સાધનસંપન્ન બનવા માટે પ્રેરણા આપતું રહેશે.” સોશિયલ મીડિયા પર લોકોએ વચન પાળવા બદલ આનંદ મહિન્દ્રાના વખાણ કર્યા છે. ઘણા યુઝર્સે તેમને મોટા દિલના કહ્યા. એક યુઝરે કહ્યું, “ભારતમાં લોકો માટે કંઈક નવીન કરવું પ્રેરણાદાયક છે, તમારું કામ ખરેખર અદ્ભુત છે.”