મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમ તિથિને માતા સરસ્વતીની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને વસંત પંચમી કહેવામાં આવે છે. આ દિવસે જ્ઞાનની દેવી મા સરસ્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે અને તેમની પ્રિય વસ્તુઓ માતા સરસ્વતીને અર્પણ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ અને સંગીત પ્રેમીઓ માટે આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીને પીળી વસ્તુઓ અર્પણ કરવાનો નિયમ છે. માતાના ભક્તો પણ પીળા વસ્ત્રો પહેરે છે. આ વખતે 5 ફેબ્રુઆરી, શનિવારના રોજ વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવશે. આ પ્રસંગે શું તમે જાણો છો કે વસંત પંચમીના દિવસે પીળા રંગને આટલું મહત્વ કેમ આપવામાં આવે છે?
વસંત પંચમી પર પીળો રંગ શા માટે શુભ માનવામાં આવે છે
આ બાબતે જ્યોતિષના અનુસાર ધાર્મિક રીતે પીળો રંગ હંમેશા શુભ માનવામાં આવે છે. આ રંગને સાદગી અને સાત્વિકતાનો રંગ માનવામાં આવે છે. આ ઉપરાંત મહા માસમાં ઠંડીનું પ્રમાણ ઓછું થતાં વાતાવરણ ખુશનુમા બની જાય છે. ઝાડ પર નવાં પાન, ફૂલની કળીઓ ખીલવા લાગે છે અને સરસવનો પાક ખેતરોમાં લહેરાવા લાગે છે. સરસવના ફૂલો પીળા હોય છે. આ દ્રશ્ય જોઈને એવું લાગે છે કે જાણે કુદરત પીળા રંગથી શણગારી રહી છે. આ ઋતુમાં માતા સરસ્વતીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં માતાને કુદરતના આ વિશેષ રંગની વસ્તુઓ એટલે કે પીળા વસ્ત્રો, પીળા ખોરાક, પીળા ફળ, પીળા ફૂલ વગેરે અર્પણ કરવાનું વિધાન છે.
પીળો રંગ જ્ઞાનનું પ્રતિક છે
પીળો રંગ સમૃદ્ધિ, ઉર્જા, પ્રકાશ અને આશાવાદનું પણ પ્રતીક છે. તે તમારા મગજને સક્રિય કરે છે અને તમારો ઉત્સાહ વધારે છે. તમારા મનમાંથી નકારાત્મકતા દૂર કરે છે અને સકારાત્મકતા તરફ દોરી જાય છે. એટલે કે પીળો એ રંગ છે જે અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જાય છે. આ રીતે, વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીને પીળા રંગની વસ્તુઓ અર્પણ કરીને, આપણે માત્ર દેવી સરસ્વતીને જ નહીં પરંતુ પ્રકૃતિ પ્રત્યે પણ આદર અને આભાર પ્રકટ કરીએ છીએ.
વસંત પંચમીના દિવસે આ રીતે કરો માતાની પૂજા
આ વખતે વસંત પંચમીના દિવસે સવારે સ્નાન કર્યા પછી પીળા વસ્ત્રો પહેરીને મનમાં માતાની પૂજા કે ઉપવાસનું વ્રત લેવું. આ પછી બાજઠ પર પીળું કપડું પાથરી અને માતા સરસ્વતીની મૂર્તિ અથવા તસવીર મૂકો. તેમને પીળા વસ્ત્રો, પીળા ચંદન, હળદર, કેસર, પીળા ચોખા,પીળા ફૂલ અર્પણ કરો અને પીળા મીઠા ચોખાનો ભોગ અર્પણ કરો. જો તમે વિદ્યાર્થી છો તો માતાની સામે પુસ્તકો રાખો અને તેમની પૂજા પણ કરો અને જો તમે સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો માતાની પૂજા માટે સંગીતનાં સાધનોને આગળ રાખો અને તેની પણ પૂજા કરો. આ પછી આરતી અને સરસ્વતી વંદના કરીને માતાના આશીર્વાદ મેળવો.