માઈક્રોસોફ્ટના મુખ્ય વહીવટી અધિકારી (CEO) સત્યા નડેલા કહે છે કે ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણ મેળવવો તેમના માટે સન્માનની વાત છે. તેમણે કહ્યું કે તેઓ ભારતના લોકો સાથે કામ કરવાનું ચાલુ રાખવા માંગે છે જેથી તેઓને પ્રગતિ કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં મદદ મળે.
પ્રજાસત્તાક દિવસે સન્માનિત
ભારત સરકારે દેશના 73મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ નડેલા, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને ટાટા ગ્રુપના ચેરમેન નટરાજન ચંદ્રશેખરનને પદ્મ ભૂષણની જાહેરાત કરી હતી. નડેલાએ ટ્વિટ કર્યું – પદ્મ ભૂષણ એવોર્ડ મેળવવો અને ઘણા અસાધારણ લોકો સાથે ઓળખાણ મેળવવી એ સન્માનની વાત છે. હું રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ભારતના લોકોનો આભાર માનું છું… હું ભારતના લોકો સાથે મળીને વધુ પ્રગતિ માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં મદદ કરવા માટે આતુર છું.”
2014માં બન્યા માઈક્રોસોફ્ટના સીઈઓ
હૈદરાબાદમાં જન્મેલા નડેલા (54)ને ફેબ્રુઆરી 2014માં માઈક્રોસોફ્ટના સીઈઓ બનાવવામાં આવ્યા હતા. જૂન 2021માં તેમને કંપનીના ચેરમેન તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. સત્યા નડેલાને ‘ક્લાઉડ ગુરુ‘ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લાઉડ એ એવી સેવા છે જે સંપૂર્ણપણે ઈન્ટરનેટ પર ચાલે છે અને તેને લગતી સેવાઓ કે કોમ્પ્યુટર ફાઈલોનો ઉપયોગ ઈન્ટરનેટ દ્વારા દુનિયાના કોઈપણ ખૂણેથી થઈ શકે છે.
ઘણા મોટા પ્રોજેક્ટ પર કામ કર્યું
એમબીએની ડિગ્રી લીધા બાદ નડેલા 1992માં માઇક્રોસોફ્ટમાં જોડાયા હતા. અહીં તેણે ઘણા મોટા પ્રોજેક્ટ પર કામ કર્યું. જેમાંથી તેણે ઓનલાઈન સર્વિસ, એડવર્ટાઈઝિંગ, સોફ્ટવેર, ગેમિંગ પર કામ કર્યું અને કંપનીને નવી દિશા આપી. 2014માં જ્યારે માઈક્રોસોફ્ટ ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી હતી ત્યારે સત્યા નડેલાને તે સમયે કંપનીના સીઈઓ બનાવવામાં આવ્યા હતા.
પદ્મ ભૂષણથી સન્માનિતઃ સત્યા નડેલા
દેશના 73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં એક ડિજિટલ સમારોહ દરમિયાન અમેરિકામાં ભારતના રાજદૂત તરનજિત સિંહ સંધુએ જણાવ્યું હતું કે આ વર્ષે ત્રણ પ્રતિષ્ઠિત પ્રવાસી ભારતીય સભ્યોને પદ્મ ભૂષણ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે જેમાં ભારતીય ભોજનને લોકપ્રિય બનાવવા માટે મધુર જાફરી, ટેક્નોલોજી ક્ષેત્રમાં નેતૃત્વ માટે સત્યા નડેલા અને સુંદર પિચાઈ સામેલ છે.