હિંદુ ધર્મ અનુસાર મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે. તે દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ આવે છે, આ વખતે મંગળવાર, 1 માર્ચ 2022ના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરવાથી અને વ્રત રાખવાથી શુભ ફળ મળે છે. પરંતુ શું તમે જાણો છો કે આ શુભ તહેવારની ઉજવણી સાથે ઘણી માન્યતાઓ જોડાયેલી છે. આવો જાણીએ તેમના વિશે…
ભોળાનાથ મહાશિવરાત્રીના દિવસે પ્રગટ થયા હતાં
શિવપુરાણ અનુસાર, મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ જ્યોતિર્લિંગ એટલે કે અગ્નિના શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા. કહેવાય છે કે શિવલિંગની ન તો શરૂઆત હતી અને ન તો અંત. કહેવાય છે કે શિવલિંગની શરૂઆત અને અંત જાણવા માટે બ્રહ્માજીએ એકવાર હંસનું રૂપ ધારણ કર્યું અને ઉડવા લાગ્યા. ઘણા વર્ષો પછી પણ તેઓ શિવલિંગનો ઉપરનો ભાગ મેળવી શક્યા નથી. બીજી તરફ ભગવાન વિષ્ણુ વરાહનું રૂપ ધારણ કરીને શિવલિંગની શરૂઆત શોધવા નીચે ગયા. પરંતુ તેઓ પણ શિવલિંગનો આધાર શોધી શક્યા ન હતા. આ ઘટના પછી શિવ સ્વયં દેખાયા. ત્યાર બાદ બ્રહ્માજી અને વિષ્ણુજી દ્વારા ભગવાન શિવની પરબ્રહ્મ સ્વરૂપે પૂજા કરવામાં આવી હતી.
મહાશિવરાત્રી પર 64 જ્યોતિર્લિંગ પ્રગટ થયા હતાં
મહાશિવરાત્રી પર્વની ઉજવણી પાછળ એક અન્ય દંતકથા છે. કહેવાય છે કે આ શુભ દિવસે 64 શિવલિંગ એક સાથે અલગ-અલગ જગ્યાએ પ્રગટ થયા હતા. પરંતુ આમાંથી મોટાભાગના લોકો માત્ર 12 જ્યોતિર્લિંગ વિશે જ જાણે છે. આ 12 જ્યોતિર્લિંગોના નામ છે- સોમનાથ જ્યોતિર્લિંગ, મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, કેદારનાથ જ્યોતિર્લિંગ, મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, ભીમાશંકર જ્યોતિર્લિંગ, વિશ્વનાથ જ્યોતિર્લિંગ, ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ, વૈદ્યનાથ જ્યોતિર્લિંગ, નાથેશ્વર જ્યોતિર્લિંગ, ઓંકારેશ્વર જ્યોતિર્લિંગ અને ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ છે. દર વર્ષે મહાશિવરાત્રી પર આ જ્યોતિર્લિંગો પર વિશેષ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ સાથે મહાશિવરાત્રીના દિવસે ભક્તો મહાકાલેશ્વર મંદિરે આવે છે અને દીપસ્તંભ લગાવે છે. તેમની પાછળનું કારણ અગ્નિવાળી અંનત લિંગનો અનુભવ કરવાનું છે. તમને જણાવી દઈએ કે, આ જ્યોતિર્લિંગો સાથે અલગ-અલગ કથાઓ પણ જોડાયેલી છે. પરંતુ તેમ છતાં દરેકનો અર્થ એ છે કે જેમ શિવ અનંત છે તેમ તેમની દંથકથાઓ પણ અનંત છે.
ભગવાન શિવ અને શક્તિનું મિલન
મહાશિવરાત્રીના પવિત્ર તહેવારને ઉજવવા પાછળ પણ એક અલગ માન્યતા છે. પૌરાણિક કથાઓ અનુસાર, આ શુભ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. આ દિવસને શિવ અને શક્તિ, પ્રકૃતિ અને પુરૂષના મિલન તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ શુભ દિવસે શિવ અને શક્તિનું મિલન થયું હતું. મહાશિવરાત્રીના દિવસે દેવી પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે પ્રાપ્ત કર્યા હતાં. ધાર્મિક માન્યતાઓ અનુસાર, માતા પાર્વતીએ શિવને તેમના પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી. પરિણામે બંનેના લગ્ન કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ થયા હતા. આ દિવસથી શિવે વૈરાગ્યનું જીવન ત્યજીને ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો હતો.