ઘણાં લોકો રક્તદાન કરતા અચકાતા હોય છે, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે રક્તદાન કરવાથી હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો, વજન નિયંત્રણ અને વધુ સારું સ્વાસ્થ્ય જેવા ઘણા ફાયદા મળે છે. રક્તદાન કરનારાનું શરીર અને મન બંને પર રક્તદાનની મોટી અસર પડે છે. ડો. સ્નેહલ સિંઘ કહે છે, “રક્તદાન કરીને તમે કોઈને જીવન આપવાનું તો એક મહાન કાર્ય કરી રહ્યા છો, સાથે સાથે તે તમારા પોતાના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. રક્તદાન રક્તદાતાના શરીર અને મન બંને પર સારી અસર પાડે છે. ત્યારે દુ:ખની વાત એ છે કે આપણા માંથી મોટાભાગના લોકો આ ફાયદાઓ જાણતા નથી. આ અંગે જાગૃતિ ફેલાવીને વધુને વધુ લોકોને રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે.” 18 થી 60 વર્ષની વચ્ચેની કોઈપણ વ્યક્તિ રક્તદાન કરી શકે છે. ફક્ત, આ માટે તે જરૂરી છે કે તે સ્વસ્થ હોય.
જો તમને કોઈ રોગ છે અથવા તમે કોઈ દવા લઈ રહ્યા છો, તો રક્તદાન કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી અને રક્તદાન પરીક્ષણ સમયે સંપૂર્ણ માહિતી આપવી વધુ સારું છે. ડો.સ્નેહલે જણાવ્યું હતું કે હિમોગ્લોબિનનું સ્તર યોગ્ય છે અને મહિલાઓ પણ આરોગ્યનું ધોરણ પૂર્ણ કરે તો તેઓ રક્તદાન કરી શકે છે. પરંતુ માસીક ધર્મ, ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમ્યાન મહિલાઓએ રક્તદાન કરવાનું ટાળવું જોઈએ.
ડો.સ્નેહલે જણાવ્યું કે અત્યંત કાળજી સાથે કરવામાં આવેલ રક્તદાન સંપૂર્ણપણે સલામત હોય છે અને તમે જરૂરિયાતમંદ વ્યક્તિને આપી શકો તે શ્રેષ્ઠ ભેટ હોય શકે છે. અને હા તે જાણવું પણ યોગ્ય છે કે લોહીને પ્લાઝ્મા, પ્લેટલેટ્સ અને લાલ રક્તકણો જેવા ઘટકોમાં તોડી શકાય છે. તેને અલગ કરીને, એક જ રક્તદાનથી ત્રણ જીવન બચાવી શકાય છે. ચાલો જાણીએ રક્તદાન કરવાથી શરીરને થતા આ ફાયદા વિષે.
હૃદયના આરોગ્યમાં સુધારો કરે : રક્તદાન કરવાથી તમારા હૃદયની તંદુરસ્તી સુધરી શકે છે અને હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકાય છે. એવું માનવામાં આવે છે કે લોહીમાં આયર્નની ઉચી માત્રા હૃદયના જોખમને વધારી શકે છે. નિયમિત રક્તદાન કરવાથી, આયર્નની વધારાની માત્રા નિયંત્રિત થાય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે સારી છે.
લાલ રક્તકણોના ઉત્પાદનમાં વધારો : રક્તદાન કર્યા પછી તમારું શરીર રક્તને પૂર્ણ કરવા માટે કામમાં લાગી જાય છે. આથી શરીરની કોશિકાઓ વધું લાલ રક્તકણો ઉત્પન્ન કરવા માટે પ્રોત્સાહિત થાય છે, જે તમારા સ્વાસ્થ્યને સુધારી શકે છે અને શરીરને શ્રેષ્ઠ રીતે કાર્ય કરવામાં મદદ કરી શકે છે.
વજન ઘટાડવામાં મદદ કરશે : રક્તદાન કરવાથી કેલેરી ઓગળવા અને વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. લાલ રક્તકણોનું સ્તર આગામી કેટલાક મહિનાઓમાં બરાબર બની જાય છે. આ દરમિયાન, તંદુરસ્ત આહાર અને નિયમિત કસરત વજન નિયંત્રણમાં મદદ કરે છે. જો કે, રક્તદાન કરવું એ વજન ઘટાડવાની રીત ન કહી શકાય. તે માત્ર સારા સ્વાસ્થ્ય માટે એક સાધન છે, વજન ઘટાડવાની યોજનાનો ભાગ નથી. તેથી વધારે પડતું ટાળો અને જેમ જાણકાર લોકો કહે તેમ કરો.
કેન્સરનું જોખમ ઘટાડે છે : નિયમિત સમયે લોહીનું દાન કરીને તમે તમારા શરીરને વધારાના આયર્નથી સુરક્ષિત કરી શકો છો. તે અમુક પ્રકારના કેન્સરનું જોખમ પણ ઘટાડે છે.
સારું સ્વાસ્થ્ય : નિયમિત રક્તદાન શરીરના કોષોને ઉત્તેજિત કરે છે, જે શરીરની તંદુરસ્તી સુધારે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. સાથે જ રક્તદાન દ્વારા એક સારું કાર્ય કરવાનો વિચાર પણ સંતોષ આપે છે.
સ્વાસ્થ્ય તપાસની તક મળશે
આ સ્વાસ્થ્ય લાભો ઉપરાંત રક્તદાનની પ્રક્રિયામાં રક્તદાન કરતા પહેલા તમારું રક્ત અને તમારું સ્વાસ્થ્ય પણ નિશુલ્ક તપાસવામાં આવે છે. રક્ત પરીક્ષણો દ્વારા હિમોગ્લોબિનનું સ્તર શોધી કાઢવામાં આવે છે અને ચોક્કસ ચેપ, રોગોની શક્યતા પણ તપાસવામાં આવે છે. બ્લડ ટેસ્ટનો ઉપયોગ એ જાણવા માટે થાય છે કે વ્યક્તિ રક્તદાન કરવા માટે તૈયાર છે કે નહીં. તેથી, નિયમિત રક્તદાન કરીને, તમે તમારા સ્વાસ્થ્ય પર પણ નજર રાખી શકો છો.