કણજી કે કરંજનું વૃક્ષ દેખાવમાં સાધારણ હોય છે, પરંતુ તે અનેક ઔષધિય ગુણ ધરાવે છે. કણજીનું વૃક્ષ દેખાવમાં સારું હોવાની સાથે તેના સ્વાથ્ય લાભો પણ અગણિત છે. સામાન્ય રીતે કરંજનું વૃક્ષ ભારતમાં બધી જ જગ્યાએ જોવા મળે છે. કરંજ મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે. વૃક્ષ કરંજ, પુટી કરંજ, લતા કરંજ. આ બધી જ કરંજમાંથી પ્રાપ્ત થતું તેલ ચામડીના રોગો માટે ફાયદાકારક છે. કરંજનું વાનસ્પતિક નામ Pongamia pinnata (પોન્ગેમીયા પીન્નાટા) છે. જેને અંગ્રેજીમાં smooth leaved pongamia કહે છે. કરંજના વૃક્ષના દરેક અંગો સ્વાથ્ય માટે ઉપયોગી સાબિત થાય છે.
કણજી કે કરંજના વૃક્ષનું સૌથી ઉપયોગી અંગ તેના બીજમાં રહેલું તેલ છે, કણજી બીજ ચપટા અને ઘાટા લીલા રંગના હોય છે, કણજીના બીજ માંથી બનાવવામાં આવેલું તેલ ઘણા બધા રોગોને દુર કરવા ઉપયોગી સાબિત થાય છે. આયુર્વેદ પ્રમાણે કણજી સ્વાદમાં તીખી, તુરી અને કડવી હોય છે સાથે જ તે ગરમ, કફ-વાયુ શામક, પિત્તવર્ધક, આહાર પચાવનાર, દાંત માટે, હરસ, ધાધર, ખસ, કરોળિયા, કોઢ અને ચામડીના રોગોને મટાડવા માટે ફાયદાકારક સાબિત થાય છે. ચાલો જાણીએ કણજીના આરોગ્યપ્રદ ફાયદા વિષે.
ચામડીના રોગો મટાડે : કણજીના બીજનું તેલ ચામડીના રોગોને મટાડવા ઉપયોગી સાબિત થાય છે. કણજીના બીજમાંથી જે તેલ નીકળે છે જેને કરંજીયું તેલ કહે છે. આ તેલ ચોપડવાથી ચામડીના ઘણા બધાં રોગો મટે છે. આ તેલનો ઉપયોગ ચામડીના રોગોમાં વિશેષ પ્રમાણમાં થાય છે. ઔષધી તરીકે કણજીના બી, તેલ, છાલ અને પાનનો ઉપયોગ થાય છે.
ધાધર: ધાધરને મટાડવા કણજીના પાનનો રસ ધાધર પર લગાડાય છે. તેના બી પણ પાણીમાં ઘસીને ખસ કે ધાધર પર ચોપડાય છે. કણજીના બી તથા કુવાડીયાના બી સાથે વાટીને ચોપડવાથી ધાધર મટે છે. કણજીનું તેલ લીંબુના રસમાં મેળવીને બરાબર મિક્સ કરીને ધાધર પર લગાડવાથી ધાધર મટે છે. કણજીનું તેલ, લીંબુનો રસ અને કપૂર એકત્ર કરીને લગાડવાથી પણ ધાધર મટે છે.
ખસ: ખસને મટાડવા માટે કણજીનું તેલ, ગંધક, કપૂર અને લીંબુનો રસ સરખે ભાગે એકત્ર કરીને લગાડવાથી ભયંકર ફેલાયેલી ખસ ટૂંક સમયમાં મટે છે. કણજીનું તેલ, લીંબુનો રસ અને કપૂર મિક્સ કરીને લગાડવાથી પણ ખસ મટે છે. ખાસને દુર કરવા માટે આ એક સારો ઉપાય સાબિત થાય છે.
કોઢ મટાડે : કોઢને મટાડવા પણ કણજી ફાયદાકારક બની શકે છે. કણજીના પાનના રસમાં દહી, ચિત્રક મૂળ, મરી અને સિંધવમીઠું મેળવીને સવારે અને સાંજે ત્રણથી ચાર માસ સુધી પીવાથી કોઢ મટે છે. કણજીના પાન અને ચિત્રકના પાન વાટીને તેમાં દહી તથા મીઠું મેળવીને ખાવાથી ગળત કોઢ મટે છે. કણજીના પાન, ચિત્રકના પાનને મરી સાથે વાટીને દહી સાથે ખાવાથી પણ ગળત કોઢનો રોગ મટે છે.
ઘાવમાં જીવાતને દુર કરે : કણજીના પાન વાટી, પોટીસ બનાવીને વ્રણ પર મુકવાથી ફાયદો થાય છે. કણજીના પાન, લીમડાના પાન અને નગોડના પાન વાટીને ઘાવ પર લેપ કરવાથી ઘાવમાં પડેલા કીડા મરી જાય છે.
પેટના રોગ માટે ફાયદાકારક : પેટની સમસ્યામાં કણજીના બીજ ઉઓયોગી સાબિત થાય છે. કણજીના બીજનો ગર્ભ 1 થી 2 ગ્રામ શેકી લો. તેમાં સિંધવ મીઠું ભેળવીને તેનું સેવન કરવાથી પેટના દર્દથી આરામ મળે છે. કરંજના બીજોની છાલો ઉતારીને સાફ કરી લીધા બાદ તેમાં થોરના પાંદડાનું દૂધ નાખો. આ પછી તેને તડકામાં સુકાવીને તેલ કાઢી લો. તેનો પ્રયોગ કરવાથી પેટના ફોડા નાશ પામે છે. કરંજના બીજ, સુંઠ તથા ઘોડાવજને કરંજના ઉકાળામાં વાટીને લગાવાવથી પેટના ફોડાઓ મટે છે.
સંધિવા : સંધિવાની સમસ્યામાં કણજીની છાલ પાણીમાં વાટી, ગરમ કરીને લેપ કરવાથી સંધિવા મટે છે. કણજીના મૂળની છાલ વાટીને પેસ્ટ બનાવો આ પેસ્ટને સંધિવાના સોજા પર લેપ કરવાથી સંધિવાનો દુખાવો મટી જાય છે. કણજીના પાન પાણીમાં ઉકાળીને સ્નાન કરવાથી સંધીવાને કારણે ઝલાઈ ગયેલા સાંધા છુટા પડી જાય છે. કણજીના પાનને તેલ ચોપડીને બાંધવાથી પણ સંધિવાથી ઝલાઈ ગયેલા સાંધામાં ફાયદો થાય છે.
માથાનો ખોડો દુર કરે : માથામાં ખોડો થયો હોય તો પ્રથમ અરીઠા કે અરીઠાના કુમળા પાન વાટી તેનાથી માથું ધોવું. ત્યારબાદ કણજીનું તેલ, કડવી કોઠીના બીનું ચૂર્ણ અને લીંબુનો રસ એકત્ર કરીને માથાના ખોડા પર ચોપડવાથી માથા પરનો ખોડો મટે છે.
હરસમસા-ભગંદર : કણજીના મૂળની છાલનો રસ નાસૂર અને ભગંદર પર રેડવાથી જલ્દી રૂઝ વળે છે. કણજીના પાન અથવા છાલ પાણી સાથે વાટીને પીવાથી અર્શ મટે છે. તેના કુમળા પાન વાટીને લોહી સાથે નીકળતા દુઝતા મસા મટે છે. આમ હરસમસા-ભગંદરની સમસ્યામાં કણજી ઉપયોગી સાબિત થાય છે.
રક્તપિત્ત: રક્તપિત્તમાં કણજીના બીજનું ચૂર્ણ ફાયદાકારક થાય છે. 1થી ૩ ગ્રામ કરંજના બીજના ચૂર્ણમાં મધ તથા ઘી ભેળવી દો. તેનું સેવન કરવાથી નાક-કાન વગેરે જગ્યાએથી લોહી નીકળવાની સમસ્યા ઠીક થાય છે. સિંધવ મીઠાયુક્ત કરંજના બીજના ચૂર્ણ 1 થી ૩ ગ્રામ દહીંનું પાણી ભેળવી દો. તેને ગરમ કરીને ત્રણ દિવસ સુધી પીવાથી નાક-કાન વગેરે જગ્યાએથી લોહી નીકળવાની સમસ્યા દુર થાય છે.
આમ, કણજી કે કરંજ ખુબ જ ઉપયોગી ઔષધી છે, તેના ઉપયોગથી ઉપરોક્ત બીમારી ઠીક થવાની સાથે અન્ય બીજી બીમારીઓ પણ ઠીક થાય છે. આશા રાખીએ આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે તમારી બીમારી માંથી મિક્ત થાવ. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.