નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ માવાનો ઉપયોગ કર્યા વગર દુધીનો સ્વાદિષ્ટ દાણાદાર હલવો બનાવવાની રીત વિષે. લોકોને જમ્યા પછી કંઈક ગળ્યું ખાવાની જરૂરથી ટેવ હોય છે અને તે ગળ્યું ખાવા માટે તેઓ ચોકલેટનો સહારો લેતા હોય છે, પરંતુ આજે અમે તમને ઘરે જ માવા નો ઉપયોગ કર્યા વગર દુધીનો હલવો બનાવવાની રીત જણાવીશું, જેને ખાઈને તમે તમારા ગળ્યા ખાવાના ક્રેવિંગને દૂર કરી શકો છો.
લગભગ દરેક લોકો પોતાના ઘરમાં દુધીનો હલવો બનાવવા માટે માવાનો ઉપયોગ કરે છે. પરંતુ આજે અમે તમને માવા વગર દુધીનો હલવો કેવી રીતે બનાવવો તેની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ, આ દૂધીના હલવાની ખાસ વાત એ છે કે તેને તમે વ્રત અથવા ઉપવાસ દરમિયાન પણ ખાઇ શકો છો, અને આ દુધીનો હલવો સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર હોય છે. તો આવો આજે આપણે જાણીએ માવા વગર સ્વાદિષ્ટ દૂધીનો હલવો બનાવવાની રીત વિષે.
માવા વગર દુધીનો હલવો બનાવવા માટેની સામગ્રી : દુધીનો સ્વાદિષ્ટ હલવો બનાવવાની વાત કરીએ તો તેમાં આ પ્રમાણે સામગ્રી એકઠી કરો, એક દુધી, એક કપ ખાંડ, એક કપ મલાઈવાળું દૂધ, ચાર ચમચી ઘી, એક ટી.સ્પૂન કાજુ પાઉડર, એક ચપટી જેટલો ઈલાયચી પાવડર, 4 -5 બદામ, 4- 5 કાજુ.
માવા વગર દુધીનો હલવો બનાવવા માટેની રીત : સૌ પ્રથમ દૂધીની છાલ કાઢીને તેને છીણી લો. હવે મધ્યમ આંચ પર એક પેન મૂકીને તેમાં એક ચમચી ઘી નાખીને ગરમ કરવા મુકો. ત્યારબાદ તેમાં દૂધી નાખીને બરાબર હલાવો, હવે 5 મિનિટ સુધી શેકો. ત્યારબાદ થોડું શેકાઈ જાય એટલે તેમાં દૂધ નાખીને ચડવા દો. પછી તેમાં ખાંડ નાખો. ખાંડ ઓગળે નહી ત્યાં સુધી હલવાને હલાવતા રહો.
હવે તેમાં કાજુના નાના ટુકડા, ઈલાયચી પાવડર,અને ઘી નાખો. હવે આ મિશ્રણ પેન માંથી છૂટું ના પડે ત્યાં સુધી ચડવા દો. બે મિનિટ પછી ગેસ બંધ કરીને આ મિશ્રણને એક વાસણમાં કાઢો. તૈયાર છે સ્વાદિષ્ટ દૂધીનો હલવો, તેને કાજુ અને બદામની કતરણથી ગાર્નિશ કરો.
આમ, આ રેસીપી દ્વારા તમે માવા વગર જ દુધીનો સ્વાદિષ્ટ હલવો બનાવી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમને પસંદ આવી અને તમે પણ ઘરે હલવો બનાવી શકો. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરજો.